ભાષા કેરું ગણિત

ભાષા કેરું ગણિત

કેટલાંકની આંખો બોલે તો કેટલાંકનું બોલે આખું શરીર
તો કેટલાંકનું મૌન યે બોલે, ભલે હોવાના મુંગા યા બધીર

કુદરત એક આપવાનું ટાળે, તો બીજા બે ગુણ સામે ધરે
ચક્ષુ તણી ખોટ ગળે પુરે,ને કાળી કોયલ ટહુકા મીઠા કરે

નખશીખ નાસમજને ભાષા યે ક્યાં શકે પુરું સમજાવી ?
ને સમજદાર ને ઈશારો પુરતો,બોલો એ વાતે મજા આવી ?

ભેંસ આગળ ભાગવત, કહેવત રહી ખુબ જૂની ને પુરાણી
જ્ઞાનીને એ સમજાય, જ્ઞાન ચક્ષુ વિનાને ભાસે એ કહાણી

ભાષાની અનોખી તાકાત ,વક્તા અને કલમવીર એ જાણે
સુંદર ઉપયોગ એનો કરે, તો દુનિયા એને અવશ્ય વખાણે

દિપક,મધુર મીઠ્ઠી ભાષા,મન હ્રદયને ખુબખુબ બહલાવે
કડક ગરજતી વાણી,મુડદામાં પણ જાણે જીવ લઇ આવે

દિપક ઠોકિયા, ૬-૩- ૨૦૧૬

Standard

આવું થયું, હોત તો!

આવું થયું, હોત તો!

બનાવોનો સમય જુદો હોય તો,રચાય ઈતિહાસ બિલકુલ જુદો
ભારતને ૧૮૫૭મા આઝાદી મળી હોત તો! નકશો હોત જુદો

આઝાદ હિંદ સેના ધ્યેય ને વરી હોત તો!કલ્પના કરો દોસ્તો
ગાંધીજી ના જન્મ્યા હોત તો ! અલગ વિચારો ધરાવે દોસ્તો

આ વિશ્વએ બે વિશ્વ-યુદ્ધ ના દીઠાં હોત તો ! ત્રીજાનો ભય જ જાત
કમનસીબે થયું ત્રીજું! કલ્પો,હાલતે કેવી હશે આજની માનવજાત

“હોત તો” !નુ છોડો,”થઇ શકે” અંગે શાંત ચિત્તે સહેજ તો વિચારો બદલાવો,દેશે ને દુનિયાએ આવશ્યક,”કરનાર”ને કહો,ભલે પધારો

હોત તો! ઈતિહાસ બદલી શકે,નક્કર કરો તો બદલાશે આ જગત
ભુલોનું પુનરાવર્તન ટાળો,દુષણો ડામો,ના બનો ઢોંગી બગભગત

દિપક,વાતો કરનારા,તુજ સમ વામણા અનેક,વિરાટ થોડા, ગયા
આવું નથી કહેવાયું?કેટલું બદલાયું જગતે? વહાણા, વાઈ ગયા

દિપક ઠોકિયા, ૫-૫-૨૦૧૫

Standard

એક ખુશ, એક નાખુશ

એક ખુશ, એક નાખુશ

પ્રેમીઓના દિલમાં ચાંદો દેખી, અનેક ઉમંગો સળવળે
વિરહીઓના દિલને એ જ ચાંદો કેમ ક્રૂર રીતે આમળે ?

પીઢ ચોરને પુનમનો ચાંદો,રેલાવતો ચાંદની જરા યે ગમે?
ને ચાતક એ ચાંદને નિહાળવા ચારેકોર વિહવળ થઇ ભમે !

દરિયાનો મધુરો ઘૂઘવાટ,કવિ હૃદયને અતિ પ્રસન્ન કરે
નીરસ માનવીને મન એ નર્યો ત્રાસજનક ઘોંઘાટ જ ઠરે

ચુંટણી ટાણે,બોલકા રાજકારણી વચનોની કરે લહાણી
જનતા જાણે,ચુંટાયા બાદ એ બધાની સરખી જ કહાણી

અનેક વાનગીનું બુફે આયોજન કરી શ્રીમંત ભારે હરખાય
ભુખ્યા બાળોનું ટોળું વિચારે, ક્યારે તમાશો ખતમ થાય?

મંદિરમાં બેઠેલા પ્રભુ,સામે ઉભેલા ભિખારી જોઈ હસે
બહારના,ઈચ્છે,ભક્તોના દિલમાં અમ કાજ પ્રભુ વસે

દિપક,મુખના ભાવ,પરિસ્થિતિનો અરીસો સદા રહે
સ્થિતિ વિરુદ્ધ,ભાવ વિરુદ્ધ,સૌ પોતાને સાચા કહે

દિપક ઠોકિયા ૨૬-૧૦-૨૦૧૬

Standard

ચાલો એક રહીએ

ચાલો એક રહીએ

વરસોથી એકબીજા સાથે રહેતી ભારતની પ્રજા
અચાનક ખોટી ચઢવણીથી નિર્દોષને કરે સજા

ઓળખો,પારખો,થાઓ તૈયાર એને દેવા જાકારો
આપણા દેશ સામે નથી દેખાતાં બીજા પડકારો ?
પ્રજા ભારતની વરસોથી રહી, જાણે ભાઈ ભાઈ
તેમને સામસામે બાથડતા જોઈ ના લાગે નવાઈ ?

આજકાલ વળી ઝેરી સર્પ આતંકવાદનો ઘુમે જગતે
ના નાશ એનો થશે, અનેક જિંદગી જવાની અવગતે

સવેળા જાગો ભાઈ બહેનો,બુદ્ધિ વાપરી સારું જીવો
જગતને સુખેથી માણો,પુરો અજ્ઞાન-અંધકારનો કુવો

દિપક, દુનિયામાં રહે સુલેહ સંપથી સર્વ માનવજાત
ધર્મો એમની જગ્યાએ રહે, સ્વર્ગ આ ધરતીએ સર્જાત

દિપક ઠોકિયા, ૨૬-૧-૨૦૧૬

Standard

અનાડીની કીમતી વાત(?)

અનાડીની કીમતી વાત(?)

દરેક “કાલ”ને “ગઈ” ને “આવતી” જરૂર જરૂર હોવાની
ગઈકાલથી જ્ઞાન લઈને,ભાવિ સુધારે એજ સાચો જ્ઞાની

જ્ઞાન ચોમેરથી વહે ,હરદમ ને સમયની હરેક પળે પળ
પામીને વાપરવાની હોય કળા, તો ભાવિ બને ઉજ્જવળ

ખારો દરિયો પણ વાદળા તો મીઠાં જ કાયમ આપવાનો
આંખ ખુલતાં જ લુંટારો વાલીયો,વાલ્મીકી જ બનવાનો

ઘરેણાં યે આકાર ધરે તે પહેલાં,ભરપુર તપે ને પીટાય
દ્રોણના જ બે ચેલા,એક અર્જુન ને બીજો દુર્યોધન થાય

આજનો વિદ્યાર્થી,કાલે શિક્ષક બને ને વળી પંકાઈ જાય
ફેરફારો નિત્ય,સ્વને બદલતા રહો,એમાં આપણું શું જાય?

અનાડીની વાતો આ બધી,કોઈક ગમે તો ભાઈ માનજો
નકામીને ફેંકી ને,ઠીકને,જો હોય તો,મલકીને સન્માનજો

દિપક,વાલીયો,અર્જુન ને દુર્યોધન તારી વાતે વાતે આવે
તાજા સમાચારની વાત કર,જેમાં ટ્રમ્પ ને મોદી યે આવે

દિપક ઠોકિયા

Standard

મૈત્રી એટલે મૈત્રી

મૈત્રી એટલે મૈત્રી

મિત્ર તો સુદામાને યે હતો,ને હતો દાનવીર કર્ણને યે ખરો
સુદામાને તો મિત્ર ખુબ ફળ્યો,ઉધ્ધારી દીધો એને ખરેખરો

કર્ણની મિત્રતા પણ સાચી,રહી ખોટે પક્ષે કિંમત ગુમાવી
હતો શક્તિમાન,ગૌરવશાળી,શક્યો ના સત્યને જરા નમાવી

મિત્રતામાં શરતો કેવી? સંપુર્ણ સ્વીકારો સાચો એ નિયમ
બનતાં પહેલાં વિચારો, રાખો એવી, તોડતાં વિચારે યમ !

ખામી બતાવો, એમાં ના શરમ,સમજાવી લો,યા મનાવી
અંતર વચ્ચે ના રહે અંતર,સ્વીકારો સ્વ ભુલ શીશ નમાવી

મતભેદ કદાચ થવાના,રહો મનભેદથી દુર, લાખો જોજન માફ મિત્રને કરવું પડે તો,હસીને કરો,સદા રાખજો મોટું મન

દિપક,નસીબદારોને જ મળે,અમુલ્ય,કિમતી,મોંઘા,દુર્લભ રતન
સ્વાર્થી,કપટી, મિત્રોથી રહેજો ખાસ્સા દુર,સાચાનું કરજો જતન

દિપક ઠોકિયા, ૧૭-૧૨-૨૦૧૪

Standard

ખાણ,લખાણ તણી

ખાણ,લખાણ તણી

ખાણ,તો ધાતુ,સોનું, હીરા વિગેરેની સુણી
“લખાણ” માં જ”ખાણ” માણે એ જન ગુણી

પુસ્તકો યે જગતને અમુલ્ય ભેટ અર્પે સદા
સમજે જે સાર બરાબર,હરાય ઘણી આપદા

વાંચતા સમય સુંદર વીતે,ઠશાવે જે મગજે
બેઠા રહો ભલે ઘરમાં,એ ફેરવે તમને જગતે

હાલમાં વિવિધ રીતે પ્રાપ્ય,રસ જેમાં તમારો
મેળવો,વાંચો,માણો,વહેંચો,વીતે તમ જન્મારો

મજા તો મળવાની સૌને અનેક ને જાતજાતની
ના નુકશાન સ્વને,અન્યને,હોવી ઘટે એ ભાતની

દિપક અહીંથી લીધું, અને અહીં જ આપ્યું પણ
આવ્યા,ગયા,કોઈ યે લઇ ગયા એક સુધ્ધા કણ?
દિપક ઠોકિયા, ૨૨-૧-૨૦૨૦

Standard

મગજની તસ્વીર

મગજની તસ્વીર

સુખની મજા તો બધાં ખુશી ખુશી મનાવવાના
અમે થોડાં જુદા,દુઃખને પણ આનંદે વધાવવાના

સુખ-દુઃખ, મનની સ્થિતિ દર્શાવવાની એક રીત
કોઈ પણ હાલે મલકીશું, સાથે હશે જો મનમીત

ખબર,મનમીત યે એક પળે તો સાથ છોડવાના
એ જાણીએ અમે, એની તો યાદો વાગોળવાના

માનવને દુઃખી કરે,માનવ,સંજોગ,શરીર ને મન
કાબુ લાયકને કાબુ રાખીએ,અન્ય છોડીએ ગગન

દિપક,વાતો મોટી,કેટલીક સારી કેટલીક ગોળગોળ
ગમે તે રાખજો પાસે, ના ગમે દેજો તુરત ફંગોળ

દિપક ઠોકિયા,૭-૩-૨૦૧૫

Standard

કોને શું શું જોઈએ?

કોને શું શું જોઈએ?

શાંત ચિત્તે બેસો દોસ્તો,ને ઘડીક વિચારો શું જોઈએ મારે ?
બાળપણ,યુવાની, ઘડપણ,દરેક જુદું જુદું જ કાયમ વિચારે

દરેકની અગ્રીમતા અલગ,વિચારો અલગ,માર્ગો યે અલગ
સાચી દિશા,પરિણામલક્ષી પુરુષાર્થ,વિજેતા બનાવે લગભગ

જીવન સરવૈયું અંતે નીકળે,વચલા પરિણામ કામચલાઉ હોય
સ્થિતિ બદલાય સમયે,અંતે ભગ્યશાળી પુરુષાર્થી વિજયી હોય

માનવ જીવનની જરૂરિયાત, પ્રાથમિકતા સદા રહે બદલાતા
ભાવિને લક્ષ્યમાં રાખી,વર્તમાન ઘડો,જીવો હંમેશ હરખાતા

દિપક,સાચો માર્ગ બનાવી ચાલો,ને સૌને સાથે રાખી ચલાવો
ગુંચનો ઉકેલ શોધો, ઉકેલો,સદા લો અમુલ્ય જીવનનો લહાવો

દિપક ઠોકિયા,૨૩-૫- ૨૦૧૫

Standard

મૃગજળે ડુબકી!

મૃગજળે ડુબકી!

ગળતા મકાને,મન ઉડે આસમાને,જુએ મોટાં બંગલાના સુંદર ખ્વાબ
આ સમય પણ જશે,મહેલ નહી તો નાનું ઘર થશે,મનનો એ જવાબ

ફક્ત વિચારો નહી,સાચી દિશાની ઉત્તમ મહેનત,જરૂર રંગ લાવી શકે
આજે મનમાં હશે,તે કાલે થઈ શકે,શક્ય છે સપના હકીકત બની શકે

નિરાશા કંઇ નથી આપતી,એ હિમ્મત તમથી જરૂર છીનવી લઈ શકે
આશા નો દીપ,શ્રેષ્ઠ મહેનત નું ફળ,સમયે સમયે અભેદ જાદુ કરી શકે

વિના શ્રમ,સપના મોટાં,માનજો મૃગજળની ફક્ત ડુબકી જ બની જાય
કઠોર પરિશ્રમ,ને વળી પ્રારબ્ધ ઉત્તમ, શ્રી ધીરુભાઈ અંબાણી બની જાય

દિપક,વાતોના વડાં,ને ગમ્મતની ચટણી,ના ભુખ્યાની ભુખ કદી ભાંગે
મહેનતનો રોટલો ભૂખ ભાંગે, વધારે આગળ ને આગળ પ્રત્યેક છલાંગે

દિપક ઠોકિયા, ૯-૧-૨૦૧૫

Standard