માખણ

માખણ
કંચન કે કથીર ? તમે જાણો અને માણો.
ક્યાંક મનના ઊંડાણે ધરબાયેલા વિચારો વહેતા કરું છું.મૌલિક છે,પરંતુ
જાણ્યે અજાણ્યે કોઈકની પુનરોક્તિ જણાય તો તે આકસ્મિક છે,એની અંત:કરણથી ખાત્રી આપું છું.
(૧) જીવનમાં ઓછામો ઓછો એક અને વધુમાં વધુ બે મિત્રો એવાં જરૂર રાખો,કે જેની સમક્ષ સંપૂર્ણ સત્ય રજુ કરી શકો.
(૨)સૌથી નજીકની વ્યક્તિ પ્રત્યે પણ હ્રદયના ખુણામાં એવો ભાવ હંમેશ રાખો કે જેથી તેના અનંત વિયોગ સમયે અથવા નિર્લજ્જ બેવફાઈ વખતે જાતને સંભાળી શકો.
(૩) સ્થિતપ્રજ્ઞતા વાસ્તવમાં શક્ય છે કે નહીં,ખબર નથી.પરંતુ એ કેળવવાનો સંનિષ્ઠ પ્રયાસ સભાનપણે અવશ્ય કરો.
(૪) અભિમાન,સ્વાભિમાન,ગૌરવ,અહંમ, એકબીજા સાથે ભેળસેળ થઇ જાય એટલાં નજીક છે.દરેકનો માર્મિક અર્થ જુદો છે,ભેદ સમજો અને સજાગપણે સ્વભાવમાં ક્યાંક ગરબડ ના સર્જે તેની કાળજી રાખો.
(૫) સ્વાનુભવે સખેદ કબુલ કરું છું કે આળસ જીવનનો અમુલ્ય સમય વેડફી શકે છે. એને સ્વમાંથી,સ્વજન ને મિત્રોમાંથી દુર કરવાનો પ્રયત્ન સદાયે અવકારણીય ગણાશે.
(૬) માન,સન્માન,અને પ્રશંસા નો મોહ છોડીને સાચું,સારું,ને મનને ખુબ ગમતું કાર્ય કરીને આનંદ પ્રાપ્ત કરો.
(૭) સર્વગુણ સંપન્ન વ્યક્તિની આશા રાખ્યા વગર સહજભાવે સહ્રદયી મિત્રો મળે તો ખુશ રહો.પણ મિત્રો ના દુર્ગુણ પ્રત્યે ધ્યાન દોરી દુર કરવાના યત્નો અવશ્ય કરો.
(૮) ફક્ત ભગવાન ને ભક્તોને ભાંડવાથી રેશનાલીસ્ટ બનવાનું છોડીને રેશનાલીસ્ટ ની વ્યાખ્યા સંપૂર્ણ સમજી ઉત્તમ રેશનાલીસ્ટ
બનો એ યોગ્ય છે.
(૯) “ નરો વા કુંજર “—વ્યવહારું વર્તનનો સરસ નમુનો છે.મુશ્કેલી એ છે કે વ્યવહારું વર્તન પણ સાચા માનવનો મનનો બોજ તો વધારે જ છે.વેદિયા કરતાં વ્યવહારું સારા એ મારો મત છે,ખોટો હોવાની સંભાવના સ્વીકારું છું.
(૧૦) ઇતિહાસકારો તટસ્થ ના હોય તો ?વાંચક ખોટા મત બાંધે છે. ઇતિહાસકારો,જાહેર પ્રસારકો,(Media), અસંખ્ય અનુયાયીઓ ધરાવનારાઓ,ખુબ જ જવાબદાર વર્તન/વાણી/લેખન/-કરે એ આવશ્યક છે.
(૧૧) અવાજ,દેખાવ,બાંધો અનુવાંશિક છે,પોતાના હાથમાં નથી .
સ્વભાવ,વર્તન,વાણી, મિત્રો,જીવનસાથી,વ્યક્તિ સ્વયં ઘડી /મેળવી શકે છે.
(૧૨)જીવનના ઘણા પ્રસંગો “અખ્ત્યારમાં” અને “અખત્યાર બહાર ” (cantrollable and non cantrollable) હોય છે.અખત્યારમાં હોય તે માટે સંપૂર્ણ પ્રયત્ન સર્વોત્તમ માટે જ કરાય અને અખત્યાર બહાર માટે બિન જરૂરી અફસોસ ત્યાગો.
કોઈક માટે આ કંચન હશે ને કોઈક માટે કથીર,અર્પી ને અટકું ?
દિપક ઠોકિયા ઓક્ટોબર ૩૦,૨૦૧૪.

Standard

Leave a comment